View Jain Article

Sambandho Sampurn chhe ?

એક માળી ફાર્મ હાઉસમાં અનેક છોડોની માવજત કરે છે...

કયા છોડને પાણી સીંચવવાનું છે ?

કયા છોડને ખાતર નાખવવાનું છે ?

કયા છોડને તડકો ખવડાવવાનો છે ?

કયા છોડને પાણી છાંટવાનું છે ...?

માળીને આ બધું જ ખ્યાલમાં હોય છે.

        એક દિવસ માળીની માવજતથી એ કુમળો છોડ ઘટાદાર વૃક્ષ બને છે.અને દુનિયાને ફળ,ફૂલ,છાયડો આપે છે...

        સંસાર પણ એક ફાર્મ હાઉસ છે.એમાં રહેનારો માણસ જો માળી બનવામાં સફળ ના થયો તો એ માણસ યમસદનનો રસ્તો પકડે છે.

        માણસ જો માળી બનીને જીવવા લાગે તો સંસાર સ્વર્ગ છે...! જો...મવાલી બનીને જીવે તો સંસાર નરક છે...!

        સં-સંપૂર્ણ

        બંધ-બંધાવું...સંપૂર્ણતાથી બંધાવું એને સંબંધ કહેવાય ....            

  • પત્ની સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • પતિ સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • દિકરા સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • દિકરી સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • મા-બાપ સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • ભાઈ સાથેનો સંબંધ સંપૂર્ણ છે?
  • બહેન સાથેનો સંબંધ સંપૂર્ણ છે?

આ બધા પ્રશ્નો જો આપણી જાતને પૂછીએ તો એનો સચોટ જવાબ આપણી પાસે નથી...

  • પત્નીએ તમારી પાસે નેકલેસ માંગ્યું,

પત્નીએ તમારી સાથે પૈસા માંગ્યા, પત્નીએ તમારી પાસે વોશીંગ મશીન માંગ્યું, પત્નીએ તમારી પાસે નવું ઘર માંગ્યું,પણ પત્ની જો તમારી પાસે સમય માંગે તો શું તમે પત્નીને સમય આપો છો ?

પત્નીને સમજવાનો તમારી પાસે સમય નથી ત્યાં જ પત્ની સાથેનો સંબંધ રૂપી છોડ માવજત ન મળવાથી સુકાઈ જાય છે....

  • પતિને તમે ટેસ્ટફુલ રસોઈ જમાડવામાં સફળ થયા ...પતિને તમે ઓફીસે જવા સમયસર તૈયાર કરવામાં સફળ થયા... પતિને તમે સંભાળવામાં  સફળ થયા...પણ પતિ જો તમને કાઈંક સંભળાવી દે તો તમે સાંભળવામાં સફળ થયા છો ? આ જ નિષ્ફળતાથી પતિ સાથેનો સંબંધ રૂપી છોડ ઉગતા પહેલા જ દટાઈ જાય છે...
  • દીકરાને-ડોક્ટર, વકીલ, ઈન્જિનિયર, સી.એ.બનાવવામાં તમારો ઉત્સાહ સારો છે...દીકરાને નંબર વન સ્કૂલ-કોલેજમાં એજ્યુકેશન અપાવવાનો તમારો પ્રયાસ સારો છે.દીકરાને બાઈક, મોબાઈલ, લેપટોપ જેવી આધુનિક ચીજો આપીને મા-બાપ તરીકે દેખાવ સારો કર્યો છે....પણ....દીકરાને સારો બનાવવા માટે થોડી કેળવણી લીધી છે .....? ત્યાં જ દીકરા સાથેનો સંબંધ રૂપી છોડ કરમાઈ જાય છે......
  • દીકરી સારા નંબરે પાસ થાય એમાં તમને ઈન્ટ્રેસ્ટ છે.....દીકરી બ્યુટી પાર્લર , કુકીંગ, ડાન્સીંગ, પેઈન્ટીંગ, ફેશન ડીઝાઈનીંગ જેવા કોર્સ કરે એમાં તમને ઈન્ટ્રેસ્ટ છે.દીકરીને સારો વર મળે સારું ઘર મળે એમાં તમને ઈન્ટ્રેસ્ટ છે પણ...દીકરીને સંસ્કારી ,સદાચારી બનાવતા સમયદાન માં ઈન્ટ્રેસ્ટ છે ..... ? ત્યાં  જ  દીકરી સાથેનો સંબંધ રૂપી છોડ ઉગવાની તાકાત ગુમાવી બેસે છે...
  • મા-બાપ ને સારો બંગલો સારી કાર સારા કપડા સેવાભાવી નોકર-ચાકર તો આપી દિધા...મા-બાપ ને વર્ષ માં તીર્થ યાત્રાઓ કરાવી દિધી....મા-બાપ ના નામના જીવીત મહોત્સવ માં પૂજા-પૂજન પણ તમે કરાવ્યા...પણ...મા-બાપના ચરણોમાં બેસીને ‘મા-બાપ...!તમે કેમ છો... ?” એવી પૃચ્છા કરી છે?ત્યાં જ મા-બાપ સાથેનો સંબંધ રૂપી છોડ દીકરાઓ પગ તળે કચડી નાખે છે....
  • ભાઈ ને ધંધામાં સેટ કરવા તમે નંબંર વન પાસ થયા...ભાઈના દીકરા-દીકરીને સારા ઘરના છોકરા-છોકરી સાથે લગ્ન કરાવવાનો કર્તવ્ય તમે અદા કરી શક્યા...ભાઈના સુખમાં દુખમા તમે મોખરે રહ્યા....પણ...બાપની મીલકતમાં ભાઈને સરખો ભાગ વહેંચવામા તમે કેટલામાં નંબરે પાસ થયા... ?બાપની મિલકત ની લ્હાયમાં ભાઈ સાથેનો સંબંધ રૂપી છોડ પોતાના હાથે જ ઉખડીને ફેંકી દિધો...
  • બહેનને લગ્નના દિવસે દાયજામાં મોંઘી વસ્તુઓ આપી...બહેનને આણામાં જાત-જાતના મશીનો અને સારા દાગિનાના સેટ આપ્યા...બહેનના ડિલીવરી પ્રસંગે તમે ખડે પગે ઉભા રહ્યા...બહેન ભાઈની રક્ષા થાય એ માટે રક્ષાબંધનના દીવસે તમને રાખડી બાંધી પણ...બહેન જ્યારે દુ:ખમાં ડુબતી હોય ત્યારે શું તમે એની રક્ષા કરવા ગયા છો..... ?ત્યાં જ બહેન સાથેનો સંબંધ રૂપી છોડ સ્વાર્થના પગ નીચે કચડાઈ જાય છે...

આ વાત નજીકના સંબંધોઓંની કરી...જે હંમેશાં આપણા જીવનની આસપાસ રહે છે.બાકી તો અઢળક સંબંધો આપણા હોય છે જે આપણે સાચવી શકતા નથી

જેમ છોડને પાણી ,ખાતર,હવા વિગેરે જરૂર છે તેમ સંબંધને પણ સાચવણી,કેળવણીની જરૂર છે.સાચવણી વિના સંબંધ ટકતા જ નથી ...

      બે વ્યક્તિ વચ્ચે લાગનીનો સેતુ બંધાય છે અને એ સેતુ ને જ સંબંધ કહેવાય છે આ સેતુને સાચવવા સતત પ્રયત્નશીલ ,સજાગ રહેવું જોઈએ....નહિતર ક્યાંક કચાશ રહી જાય તો આ સેતુ તૂટી જાય છે અને ફરી જોડી શકાતું નથી....સંબંધ એટલા ડેલીકેટ હોય છે.

      કાચ તૂટે તો એના ટૂકડે-ટૂકડા થઈ જાય છે પછી એને જોડી શકાતો નથી...

      માટીનો ઘડો ફૂટે તો તેના ચૂરે-ચૂરા થઈ જાય છે પછી એને જોડી શકાતો નથી...

      ઘરમાં શોભતું ઝુમ્મર તૂટે ત્યારે તેનો આવાજ આવે છે પણ પછી એને જોડી શકાતું નથી...

આ બધાથી પણ વધારે ડેલીકેટ વસ્તુ છે....સંબંધ....સંબંધ જો તૂટે તો અવાજ પણ નથી આવતો અને જોડી પણ નથી શકાતો.એની વેદના પારાવાર હોય છે ,જે કહી પણ શકાતી નથી અને સહી પણ શકાતી નથી....

        માની લો કે દુનિયાની તમામ તૂટેલી વસ્તુ ને કદાચ જોડવા માટેનું સોલ્યુશન છે પણ તૂટેલા સંબંધ જોડી શકાતા નથી તેના માટેનું કોઈ સોલ્યુશન નથી....માટે જે સંબંધો બંધાયા છે.એને ખૂબ જ ખંતથી,ખુમારીપૂર્વક સાચવી રાખો...

        જો તમે માળી બની સંબંધના છોડને સાચવણીનું પાણી,કેળવણીનું ખાતર,પ્રેમની હવા આપતા રહેશો તો એક દિવસ સંબંધના છોડ ઘટાદાર,મજબૂત મૂળિયાવાળું વૃક્ષ બની રહેશે...

        જે આપણી આસપાસ રહેતા લોકોને શાન્તિફળ,ખુશીના ફૂલ અને સુખનો છાંયડો

આપશે...તો આજથી નક્કી કરીએ ....

        અપૂર્ણ સંબંધોને સંપૂર્ણ બનાવીએ....

        કાચા સંબંધોને કાઠા બનાવીએ....

        સંબંધ તરફની ઉપેક્ષાને આપણે દૂર કરીએ......!

 

 

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : admin
Tags : jain articles,jainwebsite,jain dharma jain gyan jain song ,
Views : 2351
Uploaded On : 23 July 2013 17:11:11
Related Articles
 
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1745
Title : Khub saras shikhava jevu ખ
Category : Gujrati Author : admin
Tags : jivan ki kimmat Views : 2122
Title : Shree Giriraj Ni Garima
Category : Gujrati Author : Saravali Payanna Na Aadhare
Tags : Giriraj ,Shatrunjay ,Mahatirth ,Palitana Views : 1254
 
Title : How Many times Eat Food ?
Category : Gujrati Author : jainEworld
Tags : How Many times Eat Food ?,jain food ,jain recipes,jain websites,jain dharma ,jaingyan, jain general knowledge Views : 2564
 
 
Subscribe
Email: