View Jain Article

ભોજન શા માટે કરવાનું ?

ભોજન શા માટે કરવાનું ?

       આત્માનું કલ્યાણ કરવા જે સાધના કરવાની છે, તે સાધના કરવા માટે શરીરની ખૂબ જ જરૂર પડે છે,શરીરની તંદુરસ્તી વિના સાધના શી રીતે થઇ શકે ? તેથી તે શરીરને તંદુરસ્ત રાખવું જરૂરી બને છે, શરીરની તંદુરસ્તી માટે શરીરને ભોજન આપ્યા વિના ચાલે નહિ. આમ સાધના કરવા માટે,જીવન જીવવા માટે શરીરને ભોજન આપવું જરૂરી છે.

       પણ દુઃખની વાત એ છે કે આજે જીવવા માટે ખાવાના બદલે ખાવા માટે જ જીવનારા ઘણા દેખાય છે ! જાણે કે છપ્પનીયા દુકાળમાંથી ન આવ્યા હોય.

       કોઇકે સાચું જ જણાવ્યું લાગે છે કે માણસને જ્યારે કમાતો જોઉં છું ત્યારે એમ લાગે છે કે જાણે તે કદી મરવાનો જ નથી ! અને જ્યારે ખાતો જોઉં છું ત્યારે લાગે છે કે તેના માટે બીજો ટંક જાણે કે કદી આવવનો જ નથી ! ! !

       અરે ભાઇ ! કમાવા માટે જીવવાનું છે કે જીવન જીવવા માટે કમાવાનું છે? જો કમાવા માટે જ જીવન જીવવાનું હોય તો કમાયેલી સંપત્તિનો ભોગવટો કે દાન ક્યારે કરશો ? જીવન જીવવું છે. સંસારી છો.પૈસા વિના ચાલી શકે તેમ નથી. તેથી જીવન જીવવા જરૂર પૂરતું નીતિપૂર્વક કમાવું પડે તે વાત સમજી શકાય. પણ ચાર પેઢી ચાલે તોય ખૂટે તેમ ન હોય છતાંય સતત કમાવાની જ લેશ્યા ચાલતી હોય તેના માટે શું કહેવું ? જેમ જીવવા માટે ખાવાનું છે; પણ ખાવા માટે જીવવાનું નથી. શરીરને ટકાવવા માટે ખાવાનુંછે., કારણ કે જે શરીર સંસાર વધારવાનું કાર્ય કરે છે. તે જ શરીર સંસારને કાપવામાં પણ ઉપયોગી છે.

       તેથી ભોજન રસપોષણ માટે , દેહના લાલનપાલન માટે કે ઇન્દ્રિયોની લંપટતાને પોષવા માટે કરવાનું નથી , પણ શરીરને ટકાવવા માટે જ કરવાનું છે.

       એક મોટા શેઠ હતા. કોઇ લૂંટારૂંએ એમના દીકરાનું ખૂન કરી નાખ્યું, લૂંટારૂં જેલ ભેગો થયો, થોડાક મહિનાઓ પછી શેઠ પણ કોઇ મોટા ગુના બદલ તે જ જેલમાં એ જ રૂમમાં પહોંચ્યા, જ્યાં પેલો પુત્ર-ખૂની લૂંટારૂં હતો.બંનેના પગ એકજ પેંગડામાં નાખવામાં આવ્યાં.

       પહેલા દિવસે બપોરે બાર વાગતાં શેઠાણી ભોજનનું ટીફિન લઇ જેલમાં આવ્યાં. શેઠ પેટ ભરી ને જમ્યાં. પેલા લૂંટારૂંએ વારંવાર માંગવા છતાંય શેઠે તેને કાંઇ ન આપ્યું. પોતાના પુત્રના ખૂનીને કાંઇ ભોજન અપાય? પેલો લૂંટારૂં મનમાં અકળાયો.

       બે કલાક પછી શેઠને જાજરૂં જવાની હાજત થઇ.એકજ પેંગડામાં પગ હોવાથી લૂંટારૂં વિના એકલા તેઓ ચાલી શકે તેમ નહોતા.તેથી તેમણે પેલા લૂંટારૂંને સાથે આવવા જણાવ્યું,પણ પેલા લૂંટારૂંએ તો ઘસીને ના પાડી દીધી. શેઠ ! તમે મને ભોજન ન આપો તો હું શું કરવા તમને સહાય કરૂં ?

       છેવટે શેઠે પોતાના ભોજનમાં લૂંટારૂંને રોજ ભાગીદાર બનાવવાનું નક્કી કરીને, કરગરીને સાથે આવવા વિનંતી કરી.

       લૂંટારૂંએ વિનંતી સ્વીકારી.

       બીજા દિવસે શેઠાણીએ લાવેલા ભોજનના લાડવા શેઠે પેલા લૂંટારૂંને આપ્યા. શેઠાણી તો તે જોઇને શેઠ ઉપર એકદમ તાડૂકી ઊઠ્યા. તેમણે કહ્યું કે, ‘ તમે આપણા પુત્રના ખૂનીને લાડવા આપો છો ? તમારી બુદ્ધિ બહેર મારી ગઇ છે કે શું ? ’

       શેઠે તેને સમજાવ્યું કે લૂંટારૂંને ભોજન આપવાનું જરા ય મન નથી, પણ આપ્યા વિના છૂટકો ય નથી. જો તેને ભોજન ન આપું તો જાજરૂં જવાનું મારૂં કામ થાય તેમ નથી.

       શેઠાણી સમજીને ચૂપ થઇ ગયા, આ દૃષ્ટાન્ત આપીને જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે શેઠ એ આપણો આત્મા છે. અને આપણું શરીર એ પેલો લૂંટારૂં છે. તેણે આપણા ગુણો રૂપી પુત્રનું ખૂન કર્યું છે. તે આપણું દુશ્મન છે. તેને ભોજન અપાય જ નહિ. છતાં તેને ભોજન આપ્યા વિના ચાલે તેમ નથી. કેમકે તેની સહાય વિના સંસાર કાપનારી સાધનાઓ પણ થઇ શકતી નથી.

       જાજરૂં જવા માટે ખૂની લૂંટારૂંને શેઠે ભોજન આપવું પડે છે, પણ ભોજન આપવામાં અંદર જરાય આનંદ નથી, તેમ સાધના કરવા માટે શરીરને ટકાવવા ભલે આપણે શરીરને ભોજન આપવું પડે, પણ તે વખતે જરાય આનંદ તો ન જ હોય. રાચી-માચીને તો ભોજન ન કરાય. સબડકાં લેતાં કે સ્વાદના ચટકા કરતાં તો ભોજન ન જ કરાય. પણ શરીરને ટકાવવા માટે જરૂરી ભોજન કરવું જોઇએ.

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pu.Meghdarshan Vijayji M.S.
Tags :
Views : 1965
Uploaded On : 05 June 2012 19:07:11
Related Articles
 
Title : Bodhak kakkavali
Category : Gujrati Author : sabhar
Tags : bodhak kakkavali,jain gyan ,jain general knowledge,jainism,articles Views : 3684
Title : Karmavad
Category : Gujrati Author : Karmagranth & Tattvarthadhigam sutra
Tags : Jain Karmavad Jain KarmaSiddhant,,jain Karmphilosophy Views : 1807
Title : Gurudev Pravesh Samaiya jain N
Category : Gujrati Author : a
Tags : Views : 3850
 
Title : ભોજન શા માટ
Category : Gujrati Author : Pu.Meghdarshan Vijayji M.S.
Tags : Views : 1966
 
 
Subscribe
Email: